
ગાંધીનગર, એપ્રિલ 19: મહેસાણા ના યુવા વૈજ્ઞાનિક હર્ષિલ દવે એ મેડિકલ સાયન્સના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. આઈઆઈટી ગાંધીનગરમાં રિસર્ચ સ્કોલર હર્ષિલે એક એવી હાઇડ્રોજેલ આધારિત ટેકનિક વિકસાવી છે, જે કોલન ટ્યુમરની સર્જરીને વધુ સુરક્ષિત અને સરળ બનાવી શકે છે. આ ટેકનોલોજી કોલોરેક્ટલ પોલિપ્સ, એટલે કે કેન્સરમાં બદલાતા ટ્યુમરોની સર્જરીમાં મદદરૂપ થાય છે.
હર્ષિલે જણાવ્યું કે, “અમારા બનાવેલા આ હાઇડ્રોજેલમાં એક ખાસ શિયર-થિનિંગ પ્રોપર્ટી છે. જ્યારે આ પર દબાણ અથવા બળ લગાવવામાં આવે છે, ત્યારે તે પ્રવાહી બની જાય છે અને પછી દબાણ દૂર થાય ત્યારે ફરીથી સોલિડ (જેલ) સ્વરૂપમાં બદલાય છે.” આ પ્રોપર્ટીના કારણે ડોક્ટરો તેને સરળતાથી લાંબા કેથેટર અથવા એન્ડોસ્કોપ દ્વારા ઇન્જેક્ટ કરી શકે છે. ઇન્જેક્શન પછી, આ પદાર્થ ટ્યુમર હેઠળ એક કૂશન બનાવે છે, જે ડોક્ટરને તે ટિશ્યૂને સરળતાથી ઉઠાવવામાં અને વધુ ચોકસાઈથી કાઢવામાં મદદ કરે છે.
સામાન્ય રીતે, એન્ડોસ્કોપિક સર્જરી દરમિયાન કોલન ટ્યુમર હેઠળ સેલાઇન અથવા ડેક્સટ્રોઝ નાખવામાં આવે છે, પરંતુ આ પ્રવાહી ઝડપથી સમાપ્ત થઈ જાય છે. આ નવી હાઇડ્રોજેલ આધારિત ટેકનોલોજીથી ટ્યુમર સોલિડ બની જાય છે, જેના કારણે સર્જરીમાં સરળતા આવે છે.
આઈઆઈટી ગાંધીનગરના બાયોલોજિકલ સાયન્સ અને એન્જિનિયરિંગ વિભાગના સહાયક પ્રોફેસર મુકેશ ડંકાએ જણાવ્યું કે, “હર્ષિલ દવે મારા લેબમાં પીએચડીના વિદ્યાર્થી છે. હર્ષિલે આ શોધ ત્રણ વર્ષ પહેલા શરૂ કરી હતી.” તેમણે ઉમેર્યું કે, “અમે પ્લાન્ટથી ડીજીએમએસ મોલિક્યૂલ મંગાવ્યો અને જ્યારે તેને પાણીમાં નાખ્યું, ત્યારે તે નેનોફાઇબ્રસ હાઇડ્રોજન બનાવી રહ્યું હતું.”
હર્ષિલે જણાવ્યું કે, “અમારા જી.આઈ.ટી. ટ્રેકમાં કેન્સરના નાના ટ્યુમર હોય છે. અમે વિચાર્યું કે એન્ડોસ્કોપી દ્વારા તેને ઇન્જેક્ટ કરી શકાય છે અને તે ટ્યુમરોને સર્જિકલ રીતે દૂર કરવામાં મદદરૂપ થઈ શકે છે.”
હર્ષિલ દવેની આ રિસર્ચને એક પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય જર્નલમાં પ્રકાશિત કરવામાં આવી છે. તેમને ‘વિક્રમ સારાભાઈ યંગ સાયન્ટિસ્ટ એવોર્ડ 2026’થી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. હાલમાં, આ ટેકનોલોજીનું પ્રી-ક્લિનિકલ ટ્રાયલ અને મોટા જાનવરો પર સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે, અને તેને ભારતીય પેટન્ટ પણ મળ્યું છે. હવે આ ટેકનોલોજીને ક્લિનિકલ ટ્રાયલ્સમાં લઈ જવાની તૈયારી કરવામાં આવી રહી છે, જેથી ભવિષ્યમાં કોલન કેન્સરના ઉપચારમાં તેનો વ્યાપક ઉપયોગ થઈ શકે.