
ગ્લાસગો, 30 જુલાઈ: કોમનવેલ્થ ગેમ્સ 2026માં બુધવારે રાતે (ભારતીય સમય અનુસાર) પેરા એથલીટ્સે પુરુષોની 100 મીટર T47 ફાઇનલ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કર્યું. ભારતને ગોલ્ડ અને સિલ્વર મેડલ મળ્યા. દિલીપ મહાદુ ગાવિતે 10.71 સેકન્ડના સમય સાથે ગોલ્ડ મેડલ જીત્યો, જે ‘ગેમ્સ રેકોર્ડ’ સાથે સીઝનનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. બીજી તરફ, મોહમ્મદ બાસિલ મોર્સિંગનાકથે 10.83 સેકન્ડ (સીઝન બેસ્ટ) સાથે સિલ્વર મેળવ્યો.
આ ઐતિહાસિક પ્રદર્શન સાથે, દિલીપ મહાદુ ગાવિત પેરા એથલેટિક્સમાં કોમનવેલ્થ ગેમ્સનો ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય પુરુષ એથલીટ બન્યા. સાથે જ, મહિલા શોટ પૂટ F57 ઇવેન્ટમાં શર્મિલાના ગોલ્ડ પછી, કોમનવેલ્થ ગેમ્સ પેરા એથલેટિક્સમાં ગોલ્ડ મેડલ જીતનાર કુલ બીજા ભારતીય પેરા એથલીટ છે.
આ સ્પર્ધાનો બ્રોન્ઝ મેડલ ઇંગ્લેન્ડના કેવિન સેન્ટોસને મળ્યો, જેમણે 10.85 સેકન્ડનો સમય નોંધાવ્યો.
મહારાષ્ટ્રના નાસિક નજીકના તોરણ ડોંગરી ગામમાં જન્મેલા દિલીપ ગાવિતે એશિયન પેરા ગેમ્સ 2022માં પુરુષોની 400 મીટર T47 ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો અને આ રમતોમાં ભારત માટે ઐતિહાસિક 100મો મેડલ પ્રાપ્ત કર્યો. તેમણે પેરિસ 2024 પેરાલિમ્પિક્સમાં પુરુષોની 400 મીટર T47 ઇવેન્ટના ફાઇનલમાં પહોંચીને દેશનું માન વધાર્યું.
બીજી તરફ, બાસિલ કેરલના માલાપ્પુરમ જિલ્લાના એક નાના તટીય શહેર વેલિયાંકોડના રહેવાસી છે. બાસિલ કોચ શ્રીનિવાસનની દેખરેખમાં એલએનસીપી-સાઈ, તિરુવનંતપુરમમાં તાલીમ લેતા અને ડિગ્રી કોર્સ પણ કરી રહ્યા છે. કઠોર મહેનત અને શિસ્તબદ્ધ તાલીમના કારણે, તેઓ ભારતના સૌથી પ્રતિભાશાળી પેરા સ્પ્રિન્ટર્સમાંના એક તરીકે ઉભર્યા છે. કોમનવેલ્થ ગેમ્સ 2026માં તેમણે પોતાને સાબિત કરી બતાવ્યું છે.