અક્ષય કુમારની ભૂત બંગલા 10 એપ્રિલે રિલીઝ થશે

મુંબઈ, ફેબ્રુઆરી 7: અભિનેતા અક્ષય કુમારની બહુપ્રતીક્ષિત ફિલ્મ ‘ભૂત બંગલા’ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મના નિર્માતાઓએ તેની રિલીઝ તારીખમાં થોડો ફેરફાર કર્યો છે.

આ પહેલા, આ ફિલ્મ 15 મેના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ હવે તેને 10 એપ્રિલે રિલીઝ કરવામાં આવશે. અક્ષય કુમારે શનિવારે આ અંગેની માહિતી આપતા ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો, જેમાં તેમણે લખ્યું, “ભૂત બંગલાનો કાઉન્ટડાઉન શરૂ થઈ ગયો છે. ફિલ્મ 15 મેના રોજ નહીં, પરંતુ 10 એપ્રિલે રિલીઝ થશે. મળીએ સિનેમાઘરોમાં.”

અક્ષય કુમારની આ આગામી હોરર-કોમેડી ફિલ્મના નિર્દેશક પ્રખ્યાત ફિલ્મ નિર્માતા પ્રિયદર્શન છે. આ ફિલ્મ સાથે અક્ષય અને પ્રિયદર્શન 14 વર્ષ બાદ પાછા આવી રહ્યા છે. બંનેએ અગાઉ ‘હેલો’ અને ‘ભૂલ ભુલૈયા’ સહિત અનેક હિટ ફિલ્મો આપી છે. ફિલ્મનું નિર્માણ બાલાજી મોશન પિક્ચર્સ અને કેપ ઓફ ગુડ ફિલ્મ્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

ફિલ્મમાં અક્ષય કુમાર સાથે કેટલાક જૂના કલાકારો ઉપરાંત નવા કલાકારો પણ જોવા મળશે. હોરર કોમેડી ફિલ્મમાં અક્ષય કુમાર, વામિકા ગબ્બી, પરેશ રાવલ, તબ્બુ અને રાજપાલ યાદવ છે. અક્ષય કુમાર, શોભા કપૂર અને એકતા આર કપૂર દ્વારા પ્રોડ્યૂસ કરવામાં આવી રહી છે. આ ફિલ્મ 10 એપ્રિલ 2026ના રોજ થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે.

અક્ષય કુમાર છેલ્લે ફિલ્મ હાઉસફુલ 5માં જોવા મળ્યા હતા. જોકે, ‘હાઉસફુલ-5’ સિનેમાઘરોમાં અપેક્ષાઓ પર ખરા ઉતર્યા નહોતા, જેના પછી તેને ટેલિવિઝન પર પ્રસારિત કરવામાં આવ્યો હતો. તરૂણ મનસુખાનીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં અક્ષય કુમાર, રિતેશ દેશમુખ, અભિષેક બચ્ચન, ડિનો મોરિયા, જેકલીન ફર્નાંડિઝ, સોનમ બાજવા, નર્ગિસ ફાખરી, સંજય દત્ત, જેકી શ્રોફ, નાના પાટેકર, ચિત્રાંગદા સિંહ, ફરદીન ખાન, ચંકી પાંડે, જૉની લીવર, શ્રેયસ તલપડે, રંજીત, સૌંદર્ય શર્મા, નિકિતિન ધીર અને આકાશદીપ સાબિર જેવા સ્ટાર્સ સામેલ હતા.

અક્ષય કુમાર ફિલ્મ ‘હૈવાન’માં પણ જોવા મળશે. આ ફિલ્મમાં તેઓ સૈફ અલી ખાન સાથે 18 વર્ષ બાદ પાછા આવી રહ્યા છે. ફિલ્મની શૂટિંગ પૂર્ણ થઈ ગઈ છે, જેના ફોટા તમામ કલાકારોએ તેમના સોશિયલ મિડિયા દ્વારા શેર કર્યા હતા.

–આઈએનએસ

Leave a Comment